Gurukul
ગુરુકુલ શિક્ષા-પદ્ધતિ
પ્રાચીન ભારતવર્ષ જ્ઞાન-વિજ્ઞાનના ગૌરીશિખર પર બિરાજમાન હતું. અહીં સંસ્કારો પણ હતા અને સમૃદ્ધિ પણ હતી.
ભારતીય સંસ્કૃતિની આ ભવ્યતાનું કારણ ગુરુકુલ શિક્ષા-પદ્ધતિ હતી. પ્રાચીન ભારતવર્ષનું ઘડતર ગુરુકુલોમાં થતું. મોટા ભાગનાં ગુરુકુલો કુદરતને ખોળે પાંગર્યાં હતાં.
કુળ બે પ્રકારના છે, એક ‘પારિવારિક કુળ’, જેમાં દાદા-દાદી, માતા-પિતા, ભાઈ-બહેનો, પુત્રવધૂઓ સાથે રહે છે. બીજું ‘ગુરુઓનું કુળ’, જેમાં જ્ઞાનદાતા ગુરુઓ અને શિષ્યો સાથે રહે છે; આ ગુરુઓના કુળને ‘ગુરુકુળ' કહેવાય છે. આને વિદ્યાકુળ અથવા તો જ્ઞાનકુળ પણ કહી શકાય.
પારિવારિક કુળ કરતાં પણ ગુરુકુલનું વિશેષ મહત્ત્વ છે. પારિવારિક કુળમાં શરીરનો જન્મ થાય છે, જ્યારે ગુરુકુલમાં ચૈતન્યના ઉત્તમ ગુણોનો આવિર્ભાવ થાય છે. ગુરુ શિષ્યોને આ લોક અને પરલોકમાં કલ્યાણકારી વિદ્યાઓ ભણાવે છે. આ વિદ્યાઓરૂપી જ્ઞાનના પ્રકાશ દ્વારા શિષ્યોના મનમાં રહેલ અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે.
પ્રાચીન ગુરુકુલોમાં હજારો બાળકો એક પરિવારની જેમ સાથે રહેતાં, અહીં રાજા કે રંકના કોઈ ભેદભાવ નહોતા. ભગવાન શ્રીરામ વશિષ્ઠ ઋષિના ગુરુકુલમાં ભણ્યા હતા, ભગવાન શ્રીકૃષ્ણ અને રંક સુદામા સાંદીપનિ ઋષિના ગુરુકુલમાં એકસાથે ભણ્યા હતા.
ચાણક્ય અને સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય જેવી વિશ્વપ્રસિદ્ધ વિભૂતિઓ તક્ષશિલા જેવા ગુરુકુલની ગોદમાં ઊછરીને તૈયાર થઈ હતી.
એ સમયે ભારત અત્યારે છે એના કરતાં અનેકગણો વિશાળ હતો. વિશાળ ભારતમાં સર્વત્ર ગુરુકુલો છવાયેલાં હતાં. જ્ઞાન-વિજ્ઞાનમાં નિષ્ણાત ઋષિમુનિઓ અહીં ઉચ્ચ અને સભ્ય માનવજીવનનું નિર્માણ કરતા હતા.
ગુરુ-શિષ્યભાવ
પ્રાચીન ગુરુકુલ શિક્ષા-પદ્ધતિનો આત્મા ગુરુ-શિષ્યભાવ હતો. પ્રાચીન ગુરુકુલનો વિદ્યાર્થીઓ ગુરુ પ્રત્યે પરમાત્મા જેટલી જ પૂજ્યભાવના અને શ્રદ્ધા ધરાવતા હતા તો સામે ગુરુઓ પણ શિષ્યો ઉપર જનેતાને ભુલાવે એવું વાત્સલ્ય વરસાવતા હતા.
પ્રાચીન ગુરુકુલ શિક્ષાપદ્ધતિમાં ગુરુ અને શિષ્ય વચ્ચેનો આ લાગણીભર્યો જીવંત સંબંધ વિદ્યાના આદાનપ્રદાનમાં મહત્ત્વનો ભાગ ભજવતો હતો.
પ્રાચીન ગુરુકુલની વિવિધ વિદ્યાશાખાઓ
આજના કોઈ પણ વિશ્વ વિદ્યાલયમાં હોય એથી વધારે વિષયોના વિભાગો(ફેકલ્ટીઓ) પ્રાચીન ગુરુકુલોમાં હતા. પ્રાચીન ગુરુકુલોમાં આશરે ૭૨ જેટલી વિદ્યાશાખાઓ હતી.
ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, ઇતિહાસ, પુરાણ, ગણિતશાસ્ત્ર, વાણિજ્યવિદ્યા, ખગોળ- વિજ્ઞાન, ભૂગોળવિજ્ઞાન, જ્યોતિષવિદ્યા, વાસ્તુવિદ્યા, ભૌતિકવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન, જીવવિજ્ઞાન, આયુર્વેદ, ધનુર્વેદ(અસ્ત્ર-શસ્ત્ર, યુદ્ધકલા), કૃષિવિદ્યા, વનસ્પતિવિજ્ઞાન, ધાતુવિજ્ઞાન, વિમાનશાસ્ત્ર, જલયાનવિદ્યા, પશુપાલન, અશ્વશાસ્ત્ર, ભાષાવિજ્ઞાન, મનોવિજ્ઞાન, વાકોવાક્યમ્ (વકીલાત), શિલ્પશાસ્ત્ર, સંગીત, વાદ્ય, નાટ્ય, નૃત્ય, ચિત્રકલા, શરીર પ્રસાધન કળા(બ્યુટીફિકેશન), છલિત યોગ (હાથ-ચાલાકીના ખેલ), અક્ષક્રીડા (ધૂત), શતરંજ (ચેસ) વગેરે.
પ્રાચીન ગુરુકુલોમાં ભણાવાતી વિદ્યાશાખાઓની યાદી ઘણી લાંબી છે, જેને વાંચતાં આજના વિદ્વાનો પણ અચંબામાં પડી જાય છે.
પ્રાચીન ગુરુકુલ શિક્ષા-પદ્ધતિમાં એક મહત્ત્વની વાત એ હતી કે, આ તમામ વિદ્યાશાખાઓનો પાયો અધ્યાત્મવિદ્યા રહેતી, જેને લીધે વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાનનો ઉપયોગ સ્વાર્થ માટે નહીં, પરંતુ વિશ્વ કલ્યાણ માટે કરતા. બીજી મહત્ત્વની વાત એ હતી કે, પ્રાચીન ગુરુકુલોમાં વિદ્યાનું વ્યાપારીકરણ નહોતું.
એ સમયે આજની જેમ વિદ્યા વેચાતી ન હતી, વહેંચાતી હતી. ગુરુઓ જ્ઞાનદાનને શ્રેષ્ઠ દાન માનતા હતા. તેઓ જ્ઞાનના વેપારમાં માનતા નહોતા.
પ્રકૃતિ અને પર્યાવરણ સાથે પ્રેમભર્યો સંબંધ
પશ્ચિમની સંસ્કૃતિ પ્રકૃતિને ભોગ્ય માને છે, ભારતીય સંસ્કૃતિ પ્રકૃતિને પૂજ્ય માને છે.
પ્રાચીન ગુરુકુલો કુદરતની ગોદમાં વિકસ્યાં હતાં, ગુરુકુલ શિક્ષાપદ્ધતિ પૃથ્વી, પાણી, આગ, પવન, આકાશ તેમજ પર્વતો, વૃક્ષો, નદીઓ અને નક્ષત્રોમાં દેવતાઓનું દર્શન કરાવતી હતી. ગુરુકુલના વિદ્યાર્થીઓ કુદરતને દેવતા માની પૂજતા હતા અને પ્રેમ કરતા હતા.
આજે કહેવાતી સુધરેલી સભ્યતાએ આંધળી ઉપભોગબુદ્ધિથી કુદરતી ચક્રને ખોરવી નાખ્યું છે. કુદરત કામધેનુ ગાય સમાન છે. કુદરતના આંચળમાંથી વરસતું અમૃત જડચેતન વિશ્વનું પોષણ કરે છે.
પ્રસન્ન થયેલી કુદરત સમસ્ત જીવનને ‘સત્યમ્ શિવમ્ સુન્દરમ્' બનાવે છે અને જો એ રૂઠે તો વિનાશ પણ એટલો જ વેરે છે. કામધેનુનું દૂધ પીવું હિતકારી છે, પણ એને પીડીને લોહી ચૂસવું અનર્થકારી છે.
યજ્ઞો અને ગૌસેવા
ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું ખૂબ જ મહત્ત્વ છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે, ‘મનુષ્યો યજ્ઞોથી દેવતાઓને પ્રસન્ન કરે છે અને પ્રસન્ન થયેલા દેવતાઓ પ્રાણીમાત્રને સુખી કરે છે.’ આમ પરસ્પરના સહકારથી આ સૃષ્ટિચક્ર સારી રીતે ગતિશીલ રહે છે.
ગુરુકુલોમાં નિયમિત રીતે યજ્ઞના માધ્યમથી વિષ્ણુસ્વરૂપ અગ્નિનારાયણની ઉપાસના થતી, આ અગ્નિ-ઉપાસનાથી સરાણે ચડેલા હીરાની જેમ વિદ્યાર્થીઓની બુદ્ધિ સતેજ બનતી.
પ્રાચીન ગુરુકુલોમાં કામધેનુ જેવી હજારો ગાયો રહેતી, ગુરુઓ અને વિદ્યાર્થીઓ નિયમિત રીતે ગૌપૂજન, ગૌસેવા અને ગૌપરિરક્ષણ કરતા. કામધેનુ જેવી આ ગાયોના દૂધ-ઘીના સેવનથી સૂર્યથી કમળ ખીલે એમ વિદ્યાર્થીઓની મેધાશક્તિ વિકસતી હતી.
નિયમ, સંયમ, સેવા અને સાદગી
પ્રાચીન ગુરુકુલોમાં વિદ્યાર્થીઓ નિયમ, સંયમ અને બ્રહ્મચર્યનું પાલન કરતા, શ્રમ, સેવા અને સાદગીભર્યું જીવન જીવતા.
વિદ્યાર્થીઓ જંગલમાં ફળ-ફૂલ વીણવા જતા, યજ્ઞ માટે કાઇ લેવા જતા, વિદ્યાભ્યાસની સાથે સાથે ગોચારણ કરતા અને આશ્રમની ખેતીવાડી પણ સંભાળતા. વિદ્યાભ્યાસની સફળતામાં બુદ્ધિ કરતાંય ગુરુકૃપા મહત્ત્વનો ભાગ ભજવતી.
ભીક્ષાટન
પ્રાચીન ગુરુકુલ શિક્ષા-પદ્ધતિમાં ભીક્ષાટન મહત્ત્વનું અંગ હતું. રાજાનાં સંતાન હોય કે ટંકનાં, ગુરુકુલના બધા જ વિદ્યાર્થીઓ માટે ભિક્ષાટન અનિવાર્ય હતું.
આ ભીક્ષાટનને લીધે વિદ્યાર્થીઓને નાનામાં નાના પરિવારો સાથે પણ લાગણીનો નાતો બંધાતો, એનાં સુખદુઃખ સમજાતાં... આ સમજણ એમના ભવિષ્યના જીવનમાર્ગને સ્પષ્ટ કરનારી બનતી.
ભીક્ષાટનથી વિદ્યાર્થીઓના હૃદયમાંથી શરમ, સંકોચ અને ગ્લાનિ દૂર થતાં, માન-અપમાન સહન કરવાની શક્તિ મળતી.
સૌથી મહત્ત્વની વાત તો એ હતી કે, આ ભીક્ષાટનથી વિદ્યાર્થીઓના અંતરનો અહંકાર દૂર થતો, તેઓ સંયમ, વિનમ્રતા અને અનુશાસનના પાઠ શીખતા.
ભૌતિક વિકાસ સાથે આધ્યાત્મિક વિકાસ
પ્રાચીન ગુરુકુલ શિક્ષા-પદ્ધતિને લીધે વિદ્યાર્થીના જીવનમાં ભૌતિક જ્ઞાન-વિજ્ઞાનની સાથે આધ્યાત્મિક સદ્ગુણોનો વિકાસ થતો.
આ સદ્ગુણોને લીધે વિદ્યાર્થીઓ સંવેદનશીલ બનતા, એમની સંવેદના માત્ર મનુષ્યો પૂરતી સીમિત ન હતી, તેઓની સંવેદના સમગ્ર જડચેતન સૃષ્ટિ સાથે જોડાયેલી હતી.
આધ્યાત્મિકતાને લીધે જ એમના દિલમાં “वसुधैव कुटुम्बकम् !' અને ‘सर्वे भवन्तु सुखिनः !'ની ભાવના વિકસતી. આવી સર્વજીવહિતાવહ ઉદાત્ત ભાવના વિશ્વના અન્ય ધર્મોમાં ભાગ્યે જ જોવા મળે છે.
ગુરુકુલ શિક્ષાપદ્ધતિને લીધે જ ભારતવર્ષ ધાર્મિક દૃષ્ટિએ હંમેશાં ઉદાર વિચારસરણીવાળો દેશ રહ્યો છે. ભારતે ક્યારેય ધાર્મિક યુદ્ધો (ક્રૂસેડ) કર્યાં નથી. ભારતે કોઈનું ધર્માંતરણ કરવાનો પ્રયાસ કર્યો નથી.
ગુરુકુલ શિક્ષાપદ્ધતિએ પાપ-પુણ્યની સુંદર વ્યાખ્યા આપી છે, ‘परोपकारः पुण्याय पापाय परपीडनम् ।’ ‘પરોપકાર જેવું કોઈ પુણ્ય નથી અને પરપીડન જેવું કોઈ પાપ નથી.’ ગુરુકુલના વિદ્યાર્થીઓ આ સૂત્રને અનુસરીને ‘બીજાના સુખે સુખ’ અને ‘બીજાના દુઃખે દુ:ખ' માનતા.
ઈશ ઉપનિષદનો મંત્ર છે, ‘तेन त्यक्तेन भुञ्जीथा: ।' ગુરુકુલના વિદ્યાર્થીઓ આ મંત્રને આત્મસાત્ કરતા. તેઓ પુરુષાર્થ અને પરમાત્માની કૃપાથી મળેલી સંપત્તિને ઉદાર હૃદયે વહેંચીને ભોગવતા.
ગુરુકુલોમાં તૈયાર થયેલા વિદ્યાર્થીઓનું વિદ્યાકૌશલ્ય સ્વાર્થસાધન માટે નહીં, પરંતુ પરમાર્થસાધન માટે વપરાતું. એમનાં બલ, તેજ અને પરાક્રમ સજ્જનોની રક્ષા અને દુષ્ટોના દમન માટે વપરાતાં.
પ્રાચીન ગુરુકુલ શિક્ષા-પદ્ધતિ ઈશ્વરની આરાધના, માતા-પિતા અને અતિથિઓ પ્રત્યે પૂજ્ય ભાવનાના પાઠો શીખવતી. વળી પારિવારિક જીવનમાં સ્નેહ અને સમર્પણભર્યા સંબંધો ઉપર ભાર મૂકતી.
ભારતીય સંસ્કૃતિમાં અઠવાડિયામાં એક વાર નહીં, દરરોજ ઈશ્વરનું આરાધન થાય છે. વિદેશી સંસ્કૃતિમાં વર્ષમાં માત્ર એક વાર ‘ફાધર્સ ડે’ અને ‘મધર્સ ડે’ ઊજવાય છે જ્યારે ભારતીય સંસ્કૃતિમાં રોજેરોજ માતા-પિતા-ગુરુજનો તથા અતિથિઓને દેવ સમાન માની સેવા કરવામાં આવે છે.
यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः
પશ્ચિમની સંસ્કૃતિ નારીને ભોગ્યા માને છે, જ્યારે ભારતીય સંસ્કૃતિ નારીને પૂજ્ય માને છે.
પ્રાચીન ગુરુકુલ શિક્ષા-પદ્ધતિ નારીશક્તિને પૂર્ણ સન્માન આપવાનું શીખવતી હતી. નારીને ‘નારાયણી’ ગણવામાં આવતી.
મહારાજ મનુએ કહ્યું છે કે, यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः । ‘જે સમાજ અને પરિવારમાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ વાસ કરે છે. જે સમાજમાં નારીની આંખમાંથી આંસુ ખરે છે ત્યાં વિનાશ સર્જાય છે.’
ભારતીય સંસ્કૃતિમાં પત્નીને ‘ધર્મપત્ની’ કહીને સન્માન આપવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં મા, બહેન, દીકરીમાં જેવી પવિત્ર ભાવના છે, એવી પવિત્ર ભાવના વિશ્વની અન્ય સંસ્કૃતિમાં ભાગ્યે જ જોવા મળે છે. પ્રાચીન ભારતમાં વેદોના મંત્રદષ્ટાઓ ઋષિઓ હતા, એ જ રીતે મંત્રદ્રષ્ટિ ઋષિકાઓ પણ હતી. પ્રાચીન ગુરુકુલ શિક્ષા-પદ્ધતિ સત્ય અને ધર્મને માર્ગે ચાલવાની પ્રેરણા આપતી.
પ્રાચીન ગુરુકુલ શિક્ષા-પદ્ધતિ અંધકારમાંથી પ્રકાશ તરફ, અસત્યમાંથી સત્ય તરફ, મૃત્યુમાંથી અમરતા તરફ પગલાં માંડવાની પ્રેરણા આપતી.
દુર્ભાગ્યે પ્રાચીન ભારતની ગુલામીના અંધકારયુગમાં ગુરુકુલની સર્વાંગીણ શિક્ષા-પ્રણાલીનો એ ઝળહળતો સૂરજ આથમી ગયો હતો અને ચારેબાજુ મેકૉલેછાપ શિક્ષણનાં બીબાંઢાળ કારખાનું ધમધમવા લાગ્યા હતા, જેમાં માણસોને બદલે સંવેદનહીન મનુષ્યો તૈયાર થતા હતા.
ભગવાનની કૃપાથી લાંબા સંઘર્ષને અંતે ભારતમાં આઝાદીનો સૂરજ ઉગ્યો અને એ જ સમયે પ્રાચીન ગુરુકુલ શિક્ષા- પદ્ધતિનો પણ સૂર્યોદય થયો.
ગુરુકુલ શિક્ષા-પદ્ધતિનો પુનરોદય
આજથી બસ્સો વર્ષ પહેલાં ભગવાન શ્રીસ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આદેશ આપ્યો છે કે,
પ્રવર્તનીયા સદ્વિધા ભુવિ યત્સુકૃતં મહત્
‘પૃથ્વી ઉપર સદ્વિદ્યાનું પ્રવર્તન કરવું, એ ખૂબ મોટું પુણ્યકાર્ય છે.' (શિક્ષાપત્રી-૧૩૨)
ભગવાન શ્રીસ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં સદ્વિદ્યા પ્રવર્તનની સાથોસાથ ધાર્મિક સંકુચિતતાથી ઉપર ઉઠીને સર્વજીવહિતાવહ સેવાકાર્યો કરવાનો પણ આદેશ આપ્યો છે.
સારાયે શ્રીસ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષાપત્રીનો નિત્ય પાઠ થતો હતો, પરંતુ આ વિશ્વમંગલકારી આદેશો અમલીકરણનો અવસર શોધી રહ્યા હતા.
હિમાલયના સુપ્રસિદ્ધ રૂદ્રપ્રયાગમાં અલકનંદા અને મંદાકિનીના મંગલ કિનારે સૌરાષ્ટ્રની ધરતીના નાનકડાં તરવડા ગામમાં જન્મેલા એક પવિત્ર સંત ધ્યાનમાં બેઠા હતા, એમનું નામ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રીધર્મજીવનદાસજી સ્વામી હતું.
જેમ આકાશમાંથી ઊતરતી ગંગા ભગવાન શંકરની જટામમાં ઝીલાય, એમ ધ્યાનાવસ્થામાં વિરાજમાન આ સંતે આ દિવ્ય સંદેશાઓને ઝીલ્યા, પરિણામે સમગ્ર વિશ્વનું મંગલ કરનારી ગુરુકુલ સંસ્કૃતિનું ધરતી ઉપર પુનરાગમન થયું; જેણે શૈક્ષણિક જગતની કાયાપલટ કરવાનો માર્ગ મોકળો કર્યો.
ભગવાન શ્રી સ્વામિનારાયણના આ મંગલ આદેશોનો મૂર્તરૂપ આપવા માટે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ ઈ.સ. ૧૯૪૮ વસંત પંચમીના રોજ સૌરાષ્ટ્રના હૃદય સમાન રાજકોટની ધરતી ઉપર ગુરુકુલની સ્થાપના કરી, જેમાં માત્ર એક રૂપિયા જેવા નજીવા લવાજમથી ગામડાના હજારો વિદ્યાર્થીઓ વિદ્યા સાથે સદ્વિદ્યાના અમૃત પીતા થયા.
ગુરુકુલના ભવનો આધુનિક બન્યા, પરંતુ અંદર પ્રાચીન ગુરુકુલ સંસ્કૃતિનો આત્મા ધબકતો રહ્યો. વિદ્યાર્થીઓના જીવનમાંથી ઋષિમુનિઓએ શીખવેલા જીવનમૂલ્યોની સુગંધ પ્રસરતી રહી.
ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની દીર્ઘદ્રષ્ટિને પારખી અમદાવાદ ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ SGVP જેવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ભવ્ય સંસ્થાનું નિર્માણ થયું છે, જેમાં આજે અનેક દેશોના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
આજે SGVP ઇન્ટરનેશનલ સ્કૂલ ભારતમાં ત્રીજા નંબરની સ્કૂલ છે. કેમ્પસની ભવ્યતાની દૃષ્ટિએ ભારતના ૧૦ ભવ્ય કેમ્પસોમાં નામના ધરાવે છે.
SGVP ના ભવ્ય કેમ્પસમાં ભારતીય સંસ્કૃતિ અને વેદ વગેરે સંસ્કૃત શાસ્ત્રોના જતન માટે દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયની સ્થાપના કરવામાં આવી છે, જેમાં આશરે ૨૦૦ જેટલા ઋષિકુમારો બિલકુલ નિઃશુલ્ક રીતે સંસ્કૃત શાસ્ત્રો તેમજ આધુનિક વિષયોનો અભ્યાસ કરી રહ્યા છે. આજે આ સંસ્કૃત વિશ્વવિદ્યાલય સમસ્ત ભારતમાં સુપ્રસિદ્ધ બન્યું છે.
SGVP ના ભવ્ય કેમ્પસમાં શ્રીજોગી સ્વામી હોલિસ્ટિક હોસ્પિટલ છે, જે ગુજરાતમાં આ પ્રકારની પ્રથમ નંબરની હોસ્પિટલ છે. આ હોલિસ્ટિક હોસ્પિટલમાં યોગ, આયુર્વેદ અને એલોપથીનો ત્રિવેણી સંગમ છે.
SGVP નું સેવાકાર્ય માત્ર શિક્ષણ પૂરતું સીમિત નથી, SGVPદ્વારા દીન, દુઃખી, દરિદ્ર લોકો માટે અનેક પ્રકારના સેવાકાર્યો ચાલે છે. કુદરતી આપત્તિના સમયે સેવા કરવામાં SGVP હમેશાં અગ્રેસર હોય છે.
SGVP દ્વારા પર્યાવરણની રક્ષા માટે મોટા પાયા ઉપર જળસંચય અભિયાન, સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ અભિયાન, ઓર્ગેનિક ખેતી અભિયાન વગેરે અનેક પ્રકારની સેવા-પ્રવૃત્તિઓ ચાલે છે.
SGVP દ્વારા ધાર્મિક સમરસતા અને ધાર્મિક ચેતનાના વિકાસ માટે અનેકવિધ સાધના શિબિરો, જ્ઞાનસત્રો, ઉત્સવો વગેરે યોજવામાં આવે છે.
ભારતવર્ષના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ SGVP ના શૈક્ષણિક, ધાર્મિક તેમજ સામાજીક સેવાકાર્યોને હૃદયથી બિરદાવતા રહ્યા છે.
SGVP દ્વારા રાજકોટ પાસેના રીબડા ગામે SGVP ઇન્ટરનેશનલ ગુરુકુલની સ્થાપના કરવામાં આવી છે. SGVP ના માધ્યમથી હજારો વિદ્યાર્થીઓના જીવન સંસ્કારથી સભર બન્યા છે અને તેઓ દુનિયાને ખૂણેખૂણે વિવિધ ક્ષેત્રોમાં પોતાનું કર્તવ્યનિષ્ઠાથી બજાવી રહ્યા છે.
સમાજમાંથી તીવ્ર માંગ હતી કે, જેમ દીકરાઓનું ગુરુકુલ છે, એ જ રીતે દીકરીઓનું ગુરુકુલ પણ થવું જોઈએ. આધુનિક યુગની આ વાસ્તવિકતાને સમજીને SGVP દ્વારા ગીર વિસ્તારમાં, મચ્છુન્દ્રી નદીને કિનારે, પ્રાચીન તીર્થ દ્રોણેશ્વર મહાદેવજીના સાંનિધ્યમાં દીકરીઓના અભ્યાસ માટે ગુરુકુલની સ્થાપના કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના સાવ છેવાડાના વિસ્તારમાં આ ગુરુકુલ આશીર્વાદરૂપ બન્યું છે, જેમાં દીકરીઓ અભ્યાસની સાથે સાથે પોતાનો સર્વાંગીણ વિકાસ સાધી રહી છે.
ગામડાંના પછાત વિસ્તારમાં આવેલું આ ગુરુકુલ સાવ નજીવા લવાજમથી ચાલે છે, છતાં આ ગુરુકુલની સ્કૂલ આધુનિક યુગની તમામ સુવિધાથી સજ્જ છે.
આ રીતે આજથી પંચોતેર વર્ષ પહેલાં આઝાદીના ઉદયકાળે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ વાવેલું સદ્વિદ્યાનું બીજ આજે ન કેવળ ગુજરાત, ન કેવળ ભારત, પરંતુ સમગ્ર વિશ્વમાં વડલાની જેમ વિસ્તરી રહ્યું છે.